ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવાના પોલીસના સઘન પ્રયાસોના ભાગરૂપે, પાલેજ પોલીસે ક્રિકેટ સટ્ટાનો ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો છે. દુબઈ ખાતે રમાઈ રહેલી આંતરરાષ્ટ્રીય લીગ T20 (2025-26) ની મેચ પર સટ્ટો રમાડતા એક ઇસમને પોલીસે ઝડપી પાડી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષકશ્રી સંદીપસિંહ અને ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણાની સૂચના તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી ડૉ. અનીલ સીસારા, ભરૂચ વિભાગના માર્ગદર્શન હેઠળ, પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એ.એ. ચૌધરી દ્વારા પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ અટકાવવા માટે વિશેષ ટીમ તૈયાર કરવામાં આવી હતી.
બાતમી આધારે પંચવટી હોટલ નજીકથી ધરપકડ
પેટ્રોલિંગ દરમિયાન, પી.આઈ. એ.એ. ચૌધરી અને અ.પો.કો. કરશનભાઈ તેજાજી ને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, પાલેજ નવીનગરી ખાતે રહેતો આરીફભાઇ આદમભાઇ પટેલ પંચવટી હોટલના ગ્રાઉન્ડમાં પોતાના અંગત આર્થિક ફાયદા માટે સટ્ટો રમાડી રહ્યો છે.
આરીફ પટેલ દુબઇ ખાતે ડેઝર્ટ વાઇપર્સ તથા દુબઇ કેપિટલ્સ વચ્ચે રમાઇ રહેલી ક્રિકેટ મેચ પર મોબાઈલ ફોન દ્વારા સટ્ટા-બેટીંગ જુગારનો હારજીતનો વ્યવહાર કરતો હતો.
બાતમીના આધારે પોલીસે તાત્કાલિક ઘેરો ઘાલી રેઈડ કરી, આરોપીને સ્થળ પરથી પકડી પાડ્યો હતો.
જપ્ત થયેલો મુદ્દામાલ
પોલીસે આરોપીની અંગઝડતી અને સ્થળ પરથી નીચે મુજબનો મુદ્દામાલ કબ્જે કર્યો છે:
રોકડા રૂપિયા: ₹૧૧,૪૫૦/-
મોબાઇલ નંગ-૦૧ (કિ.રૂ. ₹૧૦,૦૦૦/-)
કુલ મુદ્દામાલ: ₹૨૧,૪૫૦/-
આરોપી વિરુદ્ધ જુગાર ધારા કલમ-૧૨ (અ) મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે.
અન્ય એક આરોપી વોન્ટેડ જાહેર
પોલીસ તપાસમાં આ ગુનામાં અન્ય એક આરોપીનું નામ પણ ખુલ્યું છે. શહેદાજ પટેલ (રહે. પાલેજ, તા. જિ. ભરૂચ) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અને તેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સપેક્ટરશ્રી એ.એ. ચૌધરી, ASI દીનેશભાઇ હરીસિંહ, અ.પો.કો. કરશનભાઇ તેજાજી, અને અ.પો.કો. જયેશભાઇ શાતીલાલની ટીમ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી.