ભરૂચ, તા. ૦૯/૧૨/૨૦૨૫:
ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ નેશનલ હાઈવે ૪૮ પર મુલદ ટોલ પ્લાઝા પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક મહિલાની ધરપકડ કરીને પ્રોહિબિશનનો એક કેસ શોધી કાઢ્યો છે. પોલીસે કુલ ₹ ૧,૮૮,૫૭૫ /- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસ મહાનિરીક્ષકશ્રી સંદીપ સિંહ, વડોદરા વિભાગ અને પોલીસ અધિક્ષકશ્રી અક્ષય રાજ, ભરૂચનાઓએ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અસામાજિક પ્રવૃત્તિઓ પર સતત વોચ રાખવા અને નેશનલ તેમજ સ્ટેટ હાઇવે ઉપર અસરકારક કામગીરી કરવા સૂચના આપી હતી.
દારૂનો જથ્થો લઈને મહિલા ઊભી હતી
આ સૂચનાના અનુસંધાને, પોલીસ ઇન્સપેક્ટરશ્રી એમ.પી.વાળાના માર્ગદર્શન હેઠળ, પો.સ.ઇ. ડી.એ.તુવરની LCB ભરૂચની ટીમ નેશનલ હાઈવે નં-૪૮ પર ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન તેમને માહિતી મળી હતી કે એક મહિલા કાળા કલરના કાપડના બેગમાં પ્રતિબંધિત ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને મુલદ ટોલનાકા પાસે ઊભી છે.
₹ ૧.૮૮ લાખનો મુદ્દામાલ જપ્ત
મુલદ ચોકડી પર ટોલ નાકા પાસે LCBની ટીમે જઈને જોતા, એક મહિલા કાપડના ત્રણ મોટા બેગ લઈને વજન કાંટા પાસે ઊભેલી મળી આવી હતી. મહિલા પોલીસની મદદથી તપાસ કરવામાં આવતાં, મહિલા પાસે રાખેલા ત્રણેય બેગમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ ૪૪૬ નાની-મોટી બોટલો મળી આવી હતી.
પૂછપરછમાં મહિલાએ જણાવ્યું હતું કે તે આ વિદેશી દારૂ વાપી વલસાડથી ભરીને ભરૂચ ખાતે આપવા આવી હતી.
જપ્ત કરાયેલ મુદ્દામાલ:
પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ- ૪૪૬ (કિંમત ₹ ૧,૮૫,૫૭૫/-)
મોબાઇલ નંગ-૦૧ (કિંમત ₹ ૩,૦૦૦/-)
કુલ કિંમત: ₹ ૧,૮૮,૫૭૫ /-
આરોપીની ઓળખ અને વોન્ટેડ આરોપીઓ
પકડાયેલ આરોપીનું નામ સરનામું:
શીતલબેન સુનીલભાઇ રાયગુડે
રહે. મ.નં.૧૧૧ ગંગાસાગર, ડીંડોલી, ઉધના જિ.સુરત
મુળ રહે.મોડી થાના.અવધા તા.માલેગાવ જિ.ધુલીયા
વોન્ટેડ આરોપીઓ:
(૧) રાકેશભાઇ રહે.વાપી
(૨) સુનીતાબેન રહે.ચાવજ ભરૂચ
પકડાયેલ આરોપી વિરૂદ્ધ અંક્લેશ્વર બી ડિવિઝન પો.સ્ટે. ખાતે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો રજિસ્ટર કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે. આ સમગ્ર કામગીરી LCB ભરૂચના પો.સ.ઇ. ડી.એ.તુવર, અ.હે.કો. શ્રીપાલસિંહ, અ.હે.કો. વિશાલભાઇ, વુ.હે.કો. વૈશાલીબેન, પો.કો. મહીપાલસિંહ અને પો.કો. વિજયભાઇ મુંધવા દ્વારા ટીમવર્કથી કરવામાં આવી હતી.