અંકલેશ્વર (ભરૂચ): ભરૂચ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે પોલીસ દ્વારા શરૂ કરાયેલ વિશેષ ઝુંબેશ અંતર્ગત અંકલેશ્વર શહેર “એ” ડિવિઝન પોલીસે (Gujarat Police) સજા પામેલ એક આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પકડાયેલા આરોપીએ કોર્ટમાં હાજર રહેવામાંથી બચવા માટે આત્મહત્યાનું તરકટ રચીને નાસી છૂટ્યો હતો.
ઝડપાયેલ આરોપીનું નામ દિપકભાઈ ભરતભાઈ પટેલ (ઉં.વ. ૩૬, રહે. દલુ ફળીયું, જુના બોરભાઠા બેટ, તા. અંકલેશ્વર, જી. ભરૂચ) છે. આરોપી વિરુદ્ધ ફેમિલી કોર્ટ, ભરૂચમાં ભરણપોષણ તેમજ અન્ય કોર્ટમાં ફેમિલી ડિસ્પ્યુટના કેસ ચાલી રહ્યા હતા. વારંવાર કોર્ટમાં હાજર ન રહેવું પડે તે માટે આરોપીએ લગભગ એક વર્ષ અગાઉ પોતાનું બાઇક નર્મદા મૈયા બ્રિજ પર મૂકી અને સુસાઇડ નોટ લખીને, પોતે છુપાઈ જઈ પોલીસ પકડથી નાસતો ફરતો હતો.
આ અંગે અંકલેશ્વર શહેર “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જા.જોગ નં. ૪૫/૨૦૨૪ થી ગુમ જાણવા જોગ દાખલ કરવામાં આવેલ હતો. તે દરમિયાન નામદાર જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ સાહેબશ્રી, ફેમિલી કોર્ટ, ભરૂચે ક્રિમિનલ પરચૂરણ અરજી નંબ૨ ૨૦૫/૨૦૨૫ ના કામે બી.એન.એસ.એસ. કલમ ૧૪૪(૩) મુજબના કેસમાં આરોપીને 330 દિવસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.
ભરૂચ પોલીસ અધિક્ષકશ્રી અક્ષય રાજ સાહેબની સૂચનાના આધારે, આઈ/સી નાયબ પોલીસ અધિક્ષકશ્રી અંકલેશ્વ૨ ડિવિઝન અજયકુમાર મીણા સાહેબના માર્ગદર્શન હેઠળ, પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી પી.જી. ચાવડા દ્વારા નાસતા ફરતા આરોપીને શોધી કાઢવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસ ટીમે ટેક્નિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને સજા વોરંટના આરોપી દિપકભાઈ પટેલને ઝડપી પાડ્યો હતો. આરોપીને કાયદેસરની કાર્યવાહી કરી ભરૂચ જિલ્લા જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. આ કામગીરીમાં પો. ઈન્સ.શ્રી પી.જી. ચાવડા સાથે એ.એસ.આઈ. અમરસિંહ, હે.કો. પરેશભાઈ, લલીતભાઈ તથા પો.કો. તિર્થરાજસિંહ સહિતના સ્ટાફે ટીમવર્કથી કાર્યવાહી કરી હતી.