“NO DRUGS IN BHARUCH CAMPAIGN” અંતર્ગત ડ્રગ્સની હેરાફેરી કરતો એક ઈસમ ઝડપાયો; આરોપી સુરતથી ગાંજો લાવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું.

અંકલેશ્વર : ભરૂચ જિલ્લામાં યુવાધનને નશાના દૂષણથી બચાવવાના ઉદ્દેશ્ય સાથે પોલીસ દ્વારા ચલાવાઈ રહેલા “NO DRUGS IN BHARUCH CAMPAIGN” ને વધુ એક મોટી સફળતા મળી છે. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા અંકલેશ્વર શહેર વિસ્તારમાંથી એક ઈસમને આશરે ૧.૨૯૩ કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે.
બાતમીના આધારે દરોડો
પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ, વડોદરા વિભાગ અને ભરૂચ પોલીસ અધિક્ષકશ્રી અક્ષય રાજની સૂચનાના આધારે SOG શાખા દ્વારા નશાયુક્ત પદાર્થોના ખરીદ-વેચાણ અને હેરાફેરી અટકાવવા સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી.
SOGમાં ફરજ બજાવતા અ.હે.કો. ભાવસીંગભાઇ નગીનભાઇને ચોક્કસ બાતમી મળી હતી કે, સુરતી ભાગોળ રોડ, હાઉસીંગની સામે રહેતો માનવ દેવીદાસ ખત્રી પોતાના મકાનમાં માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખીને વેચાણ કરે છે.
બાતમીના આધારે તુરંત જ SOG ટીમે દરોડો પાડ્યો હતો.
૧.૨૯ કિલો ગાંજો અને અન્ય મુદ્દામાલ જપ્ત
પોલીસે આરોપી માનવ દેવીદાસ ખત્રી (ઉં.વ. ૩૯)ને તેના કબજા ભોગવટાના મકાનમાંથી ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી ગેરકાયદેસર નશાકારક ગાંજાની નાની-મોટી ૫૫ પડીકીઓ મળી કુલ ૧.૨૯૩ કિલોગ્રામ વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો.
પોલીસ દ્વારા આ ગાંજાની કિંમત આશરે ₹૧૨,૯૩૦/- આંકવામાં આવી છે. આરોપી આ જથ્થો પોતાના આર્થિક લાભ માટે વેચાણ કરવાના ઈરાદે રાખતો હતો.
ગાંજાના જથ્થા ઉપરાંત, પોલીસે એક જૂનો મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો હતો, જેની કિંમત ₹૫,૦૦૦/- છે. આમ, કુલ ₹૧૭,૯૩૦/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
સુરતથી લાવ્યો હતો જથ્થો
પકડાયેલા આરોપી માનવ દેવીદાસ ખત્રીની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તે આ ગાંજાનો જથ્થો સુરત ખાતેથી લાવ્યો હતો. આરોપી હાલ અંકલેશ્વર ખાતે સુરતી ભાગોળ, હાઉસીંગની સામે, કરશનવાડી ખાતે રહેતો હતો અને મૂળ તે સુરતનો રહેવાસી છે.
આ સમગ્ર મામલે આરોપી વિરુદ્ધ અંકલેશ્વર શહેર “એ” ડીવી. પોલીસ સ્ટેશનમાં નાર્કોટિકસ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપીક સબસ્ટંસ એકટ ૧૯૮૫ (NDPS Act) ની કલમ ૮(c), ૨૦[b{ii(B)}] મુજબ કાયદેસરની કાર્યવાહી કરી ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.
પો.ઇન્સ.શ્રી એ.એ. ચૌધરી તથા પો.ઇન્સ.શ્રી એ.એચ. છૈયાના માર્ગદર્શન હેઠળ SOG સ્ટાફના ASI હરેશભાઇ રામકૃષ્ણ, HC ભાવસીંગભાઇ નગીનભાઇ સહિતની ટીમે આ સફળ કામગીરી પાર પાડી હતી.
ભરૂચ પોલીસના આ સક્રિય અભિયાનથી જિલ્લામાં નશાકારક પદાર્થોની હેરાફેરી કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
Back to top button
error: Content is protected !!