ભરૂચમાં હથોડી હુમલાની ઘટના: પોલીસમાં બે ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

ભરૂચ: ભરૂચ શહેરના નેશનલ કોમ્પ્લેક્સમાં બે ફર્નિચર દુકાનોના માલિકો વચ્ચેના ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું. આ ઘટનામાં એક વેપારી પર હથોડી વડે હુમલો કરવામાં આવ્યો, જેના કારણે તેમને ઈજા પહોંચી છે અને તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
ફરિયાદી ઇરફાન અબ્દુલ અઝીઝ શેખ (ઉ.વ. ૩૩), જે ફર્નિચરનો વેપાર કરે છે, તેમણે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની દુકાન નેશનલ કોમ્પ્લેક્સમાં આવેલી છે. આ ઘટના 19 સપ્ટેમ્બર, 2025ના રોજ બપોરે આશરે 3:30 વાગ્યે બની. ઇરફાનના મોટા ભાઈ ઇમરાન જ્યારે ગ્રાહકને સોફા બતાવવા ગોડાઉન તરફ જઈ રહ્યા હતા, ત્યારે બાજુની દુકાન ‘ઈન્ડિયન વેલ્ડીંગ ફર્નિચર’ના માલિક સરફરાજભાઈ બાબુભાઈ શેખે દુકાનની બહાર આવવા-જવાના રસ્તા પર જૂના કબાટો મૂક્યા હતા.
જ્યારે ઇમરાને આ કબાટો હટાવવા માટે કહ્યું, ત્યારે સરફરાજભાઈ ગુસ્સે થઈ ગયા અને ગાળો આપવા લાગ્યા. આ દરમિયાન, ફરિયાદી ઇરફાન ત્યાં પહોંચતા સરફરાજભાઈ ઉશ્કેરાઈ ગયા અને તેમની સાથે ઝપાઝપી કરી. આ ઝપાઝપીમાં ઇરફાનના ગાલ અને ગરદન પર સામાન્ય ઉઝરડા થયા. તે જ સમયે, સરફરાજભાઈના ભાઈ ઇરફાનભાઈ શેખે પણ ઈમરાનને છાતીના ભાગે ઢીકા-પાટુનો માર માર્યો હતો.
વધુમાં, સરફરાજભાઈએ નજીકમાં પડેલી હથોડી ઈરફાન પર ફેંકતા તે તેમના જમણા પગના અંગૂઠા પર વાગી, જેનાથી તેમને ઈજા થઈ અને લોહી નીકળવા લાગ્યું. આસપાસના લોકો ભેગા થઈ જતાં આરોપીઓ ત્યાંથી જતા રહ્યા. ઇજાગ્રસ્ત ઇરફાનને તેમના ભાઈ સાથે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા છે.
આ મામલે પોલીસે બંને આરોપીઓ, સરફરાજભાઈ બાબુભાઈ શેખ અને ઇરફાનભાઈ બાબુભાઈ શેખ વિરુદ્ધ કલમ 115(2), 352, 125(a), 3(5) અને જી.પી.એ.ની કલમ 135 હેઠળ ગુનો નોંધ્યો છે. આ કેસની તપાસ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર ઓમપ્રકાશ શાંતિલાલ પાટીલ કરી રહ્યા છે.




