ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાના ડણસોલી પાટીયા નજીકથી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂના મોટાપાયે જથ્થા સાથે કુલ ₹9,66,835ના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. જ્યારે દારૂનો જથ્થો મોકલનાર અને મેળવનાર ત્રણ શખ્સોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.
ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાના સૂચનથી જિલ્લામાં પ્રવર્તી રહેલી પ્રોહીબીશન પ્રવૃત્તિઓને ખતમ કરવા માટે એલ.સી.બી. ભરૂચ દ્વારા સતત કાર્યવાહીઓ હાથ ધરવામાં આવી રહી છે.
તા. 5 ઓગસ્ટ 2025ના રોજ એલ.સી.બી. ભરૂચના પીએસઆઈ આર.કે.ટોરાણી તથા તેમની ટીમ વાલીયા પોલીસ સ્ટેશન હદમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તેમને ચોક્કસ બાતમી મળી હતી કે ચમારીયા ગામનો શૈલેશ લલ્લુભાઇ વસાવા પોતાની સફેદ કલરની કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને ડણસોલી પાટીયા તરફ જઈ રહ્યો છે.
પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને ડણસોલી પાટીયા પાસે ફોર વ્હીલને રોકી તેની તલાશી લીધી. તેમાંથી કુલ ₹9,66,835નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેમાં વિદેશી દારૂની 1,691 નાની-મોટી બોટલ તથા બિયર ટીન (કિ.રૂ. 4,66,335), ગાડી (કિ.રૂ. 5,00,000) અને એક મોબાઇલ ફોન (કિ.રૂ. 500) જપ્ત કરવામાં આવ્યા હતા.
પોલીસે કાર સાથે બુટલેગર શૈલેશ લલ્લુભાઇ વસાવા (ઉ.વ. 40), વચલુ ફળીયું, ચમારીયા, તાલુકો વાલીયા, જીલ્લો ભરૂચને ઝડપી પાડ્યો હતો. જ્યારે વાલીયાના આમલા ગભાણ ગામનો સતિષ સોમા વસાવા, ડણસોલીનો રમેશ છનાભાઇ વસાવા અને કામરેજના લાલુ વસાવાને વોન્ટેડ જાહેર કર્યા છે.
આ મામલે વાલીયા પોલીસ મથકે પ્રોહીબીશન એક્ટ તેમજ ભારતીય ન્યાય સંહિતા 2023 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. વધુ તપાસ વાલીયા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.