ભરૂચની શ્રવણ ચોકડી, લીંક રોડ બાદ હવે તવરા રોડ પર સ્માર્ટ મીટર સામે લોકોનો વિરોધ વધી રહયો છે. તવરાની શ્રી નિવાસ સોસાયટીમાં સ્માર્ટમીટર લગાવવા માટે ગયેલી ડીજીવીસીએલની ટીમને વિલા મોંઢે પરત ફરવાની ફરજ પડી હતી.
કર્મચારીઓને જોઇને સ્થાનિકો એકત્ર થઇ ગયાં હતાં અને તેમણે વિરોધ કરતાં કર્મચારીઓને કામગીરી બંધ કરી દેવાની ફરજ પડી હતી. તવરાની શ્રી નિવાસ સોસાયટીમાં સ્માર્ટ મીટર લગાવવાના મુદ્દે વિવાદ સર્જાયો છે. કર્મચારીઓ સવારે મીટર લગાવવા સોસાયટીમાં પહોંચ્યા હતા.
રહેવાસીઓએ તેમનો વિરોધ કરતાં કર્મચારીઓએ કામ બંધ કરી દીધું હતું.રહેવાસીઓનો આરોપ છે કે, વીજ કંપનીએ કોઈ પૂર્વ સૂચના આપ્યા વગર સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કર્યું છે. મીટરના ખર્ચ, બિલિંગ સિસ્ટમ અને કાર્યપ્રણાલી અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.
આ કારણે લોકોમાં અસંતોષ છે.વધુમાં તેમણે કહયું હતું કે,, તેઓ વર્ષોથી જૂના મીટરથી બિલ ચૂકવે છે. નવા મીટરથી બિલ વધવાની આશંકા છે. મીટરમાં ખામી આવે તો જવાબદારી કોણ લેશે તે અંગે પણ કોઈ સ્પષ્ટતા નથી. તેમના પર નવા મીટર થોપવામાં આવી રહ્યા છે.