આમોદ નગરમાં આવેલા દરબાર ગઢ ખાતે આજ રોજ નવજાત જન્મેલી બાળકીને ત્યજી દેવાયેલી હાલતમાં મૂકી જતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ નગરમાં આવેલા દરબાર ગઢની પાછળની ગલીમાં કોઈક અજાણી વ્યકતિ નવજાત જન્મેલી બાળકીને લોહી લુહાણ હાલતમાં મૂકીને ફરાર થઈ ગઈ હતી.બાળકીના રડવાનો અવાજ આવતા ભાડાના મકાનમાં રહેતા વ્યક્તિએ મકાન માલિકને ફોન કરી જાણ કરી હતી.તેમજ આસપાસના લોકોને પણ જાણ કરતા સ્થાનિક લોકો મોટી સંખ્યામાં નવજાત બાળકીને જોવા માટે ઉમટી પડ્યા હતા.
ત્યાર બાદ પોલીસને જાણ કરતા પોલીસે બાળકીનો કબજો લઈ ત્યજી દેવાયેલી બાળકીને રડતી હાલતમાં તાત્કાલિક આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે લઈ ગયા હતા.જ્યાં હોસ્પિટલ ખાતે પણ નવજાત બાળકીને જોવા માટે લોકટોળા ઉમટી પડ્યા હતા.નવજાત બાળકીને વધુ સારવાર અર્થે ભરૂચ ખસેડવામાં આવી હતી.આમોદ પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરી તપાસનો ધમધમાટ શરૂ કરી બાળકીને કોણ મૂકી ગયુ છે તે શોધવાની કવાયત હાથ ધરી છે.